આહારનો અર્થ કેવળ ભોજન નથી, આંખ, કાન, નાસિકા, મુખ અને ત્વચા દ્વારા જે કાંઇ ચારે તરફના વાતાવરણમાંથી શરીર અને મનમાં અંદર લેવામાં આવે છે તે સઘળો આહાર છે. આયુર્વેદની દ્રષ્ટિએ શરીરની પ્રકૃત્તિ વાત, પિત્ત, કફ વગેરે ધાતુઓની પ્રધાનતા - ગૌણતાવાળી છે. એટલે તેને સમજીને આહાર નક્કી કરવો. એજ રીતે દૈનિક કાર્યનું સ્વરૂપ તથા પરિણામ મુજબ પોતાના શરીરની આવશ્યક્તા બરાબર સમજીને તેને અનુરૂપ ખોરાક લેવો. ખોરાક્ની માત્રા, ક્રમ, સમય નક્કી હોવા જોઇએ અને તે રીતે લેવો જોઇએ. જ્યારે ઇચ્છા પડે ત્યારે, જે કંઇ હોઇ, ગમે તેટલા પ્રમાણમાં, અનિયમિત રીતે પેટમાં નાખ્યા કરવાથી પચનતંત્ર અસ્ત વ્યસ્ત થઇ જાય છે, જે અનેક રોગોનુ મૂળ કારણ બને છે. જ્યાં સુધી સંભવ હોય બહારનું ન લેવું. આહાર સુપાચ્ય, પોષણયુક્ત, સ્નિગ્ધ અને તાજો હોવો જોઇએ. ભોજન લેતી વખતે ્બની શકે તેટલુ મૌન જાળવવું. તે વખતે ચિત્ત અશાંત - ઉત્તેજનાથી ઘેરાયેલું ન હોવું જોઇએ. એઠું ન મુકવું જોઇએ.