Showing posts with label અમરતવાણી. Show all posts
Showing posts with label અમરતવાણી. Show all posts

Saturday, June 6, 2015

સંત કહે તારી ધનદોલતનું મૂલ્ય કેટલું !!

ઇરાનના શાહ હારૂન અલ રશીદને પોતાના વિરાટ સામ્રાજ્ય અને અઢળક સંપત્તિનો ગર્વ હતો. આ ગર્વએ તેને તોછડો બનાવી દીધો હતો. આવા ઘમંડી બાદશાહને મળવા અબુ શકીક નામના સંત આવ્યા. તેમણે બાદશાહને પૂછ્યું ઃ તમારી ધનદોલતનું મૂલ્ય કેટલું છે ?

બાદશાહ કહે ઃ મારી પાસે બેશુમાર દોલત છે. તેનો અંદાજ મને પણ નથી.

પેલો સૂફી સંત કહે ઃ બાદશાહ ! ધારો કે તમે સહારાના રણમાં ભૂલા પડ્યા છો તમને ખૂબ તરસ લાગી છે. ધારો કે એ સમયે તમારી સમક્ષ કોઇ પાણીનો પ્યાલો ધરે તો તમે શું આપશો ?

બાદશાહ કહે ઃ અરે ! હું અર્ધું રાજ્ય આપી દઉં ! સંતે બીજો પ્રશ્ન કર્યો ધારો કે તમે બીમાર છો. બચવાની કોઇ આશા નથી. દુનિયાના બધા કાબેલ હકીમો નિષ્ફળ ગયા છે. અને એજ સમયે તમને કોઇ દવાની પડીકી આપે અને સાજા થઇ જાવ. તો તમે એને શું આપશો ? બાદશાહ કહે ઃ આવા જાન બચાવનારને તો અર્ધું રાજ્ય આપી દઉં.

સૂફી સંત બાદશાહને કહે  ઃ બાદશાહ, તારા સામ્રાજ્યની તમામ દોલતને કિંમત પાણીનો એક પ્યાલો અને દવાની એક પડીકી જેટલી જ છે. તો પછી તેનું આટલું બધું અભિમાન શાને ??

Friday, June 5, 2015

મહારાજ ! હું આપનો માસિયાઇ ભાઇ !!

રાજાના દરબારમાં એક વૃદ્ધ પહોંચ્યો અને બોલ્યો ઃ મહારાજ ! હું આપનો માસિયાઇ ભાઇ છું. મને મદદ કરો. મારે બત્રીસ નોકરો હતા, એક પછી એક ચાલ્યા ગયા. બે મિત્ર હતા, તેઓ પણ સાથ આપતા અચકાવા લાગ્યા. બે ભાઇ છે જે મુશ્કેલીથી થોંડુ કામ કરે છે. પત્ની પણ ઊંધા-ચત્તા જવાબ આપે છે. મારી મુસીબત જોંતા આપ કંઇ મદદ કરો તો સારું.

રાજાએ તેને આદર સહિત રૂપિયાની થેલી આપી.

સભાજનોને આશ્વર્ય થયું. આ દરીદ્ર આપનો માસિયાઇ ભાઇ કેવી રીતે?

રાજા કહે ઃ તેણે મારા કર્તવ્યનું ભાન કરાવ્યું છે. તેના મોંમા બત્રીસ દાંત હતા જે પડી ગયા. બે પગરૂપી મિત્ર હતા તે ડગમગી ગયા. બે ભાઇ હાથ છે જે અશક્ત હોવાથી થોડું જ કામ કરી શકે છે, બુદ્ધિ તેની પત્નિ હતી જે સાઠે બુદ્ધિ નાઠી જેવું થયું છે.

મારી મા અમીરી અને તેની મા ગરીબી આ બંને બહેનો એટલે અમે માસિયાઇ ભાઇ છીએ. મારે આવા ગરીબ - અશક્તનાં કામો કરવાં જ જોઇએ.

Wednesday, June 3, 2015

દેખાતું નથી પથ્થર તોડી રહ્યો છું તે !

મંદિર બંધાઇ રહ્યું હતું. ચોગાનમાં ત્રણ મજૂરો પથ્થરો તોડવાનું કામ કરી રહ્યા હતા. ત્રણેનું કામ એક સરખું હતું. ત્રણેનું વેતન એક સરખું હતું.

બાજુમાંથી પસાર થતા એક સજ્જને એ ત્રણ મજૂરોમાંથી એક્ને પૂછ્યું ઃ એલા, શું કરી રહ્યોછે તું ? જવાબ મળ્યો ઃ દેખાતું નથી પથ્થર તોડી રહ્યો છું તે !

બીજાને પૂછ્યું ઃ દોસ્ત તું શું કરી રહ્યો છે? બીજાએ જવાબ આપ્યો કુટુંબ માટે રોટલો રળી રહ્યો છું. આવો જ સવાલ ત્રીજાને પૂછ્યો તો જવાબ મળ્યો ઃ ભગવાનનું મંદિર બાંધી રહ્યો છું.

વાત એક જ, દ્રષ્ટિ કેવી જુદી જુદી! જીવનમાં દ્રષ્ટિથી જ ફેર પડે છે.

Tuesday, June 2, 2015

અબ્રાહમ લિંકનની આ વાત છે !!

અબ્રાહમ લિંકનની આ વાત છે. એક્વાર એ સેનેટમાં હાજરી આપવા જતા હતા.  રસ્તામાં એમણે એક ભૂંડના બચ્ચાંને કાદવમાં ખૂંપી ગયેલું જોયું. લિંકને ગાડી ઊભી રખાવી અને ભૂંડનાં બચ્ચાંને કાદવમાંથી બહાર કાઢ્યું. એમનાં કપડાં કાદવથી ખરડાઇ ગયાં.

સેનેટરોને એ વાતની ખબર પડી ત્યારે ઘણાંએ લિંકનની જીવદયાનાં વખાણ કર્યાં.

એ વખતે લિંકને કહ્યું કે કાદવમાંથી એ બચ્ચાંને મેં બહાર કાઢ્યું એમાં એના કરતાંય વધારે લાભ તો મને થયો છે. કાદવમાં એ રીતે એને તરફડતું હું જોઇ શકતો નહોતો, એટલે એને બહાર કાઢ્યું ત્યાર પછી જ મારા જીવને નિરાંત થઇ.

Monday, June 1, 2015

પણ આતો પુત્ર છે !!

જહાજ ઊપડવાની તૈયારી હતી. એ વેળા દોડતો દોડતો એક સૈનિક આવ્યો. હાંફતો હાંફતો કહેવા લાગ્યો, મારે આ જહાજમાં જવું પડે તેમ છે. મારી મા બીમાર છે.

પણ જગ્યા ન હતી. એટલે એની વિનંતી બેકાર નીવડી. ત્યાં રૂઝવેલ્ટ ઊભા હતાં. તેમણે પોતાની બેઠક પેલા સૈનિકને આપતાં કહ્યું, આમાં તો અધિકારનો સવાલ છે. હું તો માત્ર બ્રિગેડિયર જનરલ છું. પણ આતો પુત્ર છે. એનો અધિકાર પહેલો છે.

એ રૂઝવેલ્ટ આગળ જતાં અમેરિકાના રાષ્ટ્રપતિ થયા.

Sunday, May 31, 2015

સાહેબ, એક આનો આપો. ભગવાન તમારું ભલું કરશે.

એક વાર ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર બજારમાં ચાલ્યા જતા હતા. રસ્તામાં એક બાળક ઊભો ઊભો ભીખ માગી રહ્યો હતો, સાહેબ, એક આનો આપો. ભગવાન તમારું ભલું કરશે.

વિદ્યાસાગરે તેને પૂછ્યું, આજે એક આનો આપું, પરંતુ કાલે તું શું કરીશ ? બસ, રોજ આમ લાચાર બનીને ભીખ જ માગ્યા કરીશ ?

ભિખારી બાળકે કહ્યું ઃ બીજું શું કરું ? તમે જ કહો.

વિદ્યાસાગરે કહ્યું ભીખ માગવા કરતાં તો મરવું ભલું, આમ લાચાર બનીને ક્યાં સુધી જીવીશ? લે, આ પાચં રૂપીયા. કાંઇક નાનકડો ધંધો કર.

ભિખારી તો રાજી થઇ ગયો. બીજે દિવસે તેણે પાંચ રૂપિયાનાં સંતરાં ખરીદ્યાં અને છાબડી લઇને વેચવા નીકળ્યો. પાંચના પચ્ચીસ અને પચ્ચીસના પચાસ થયાં. પછી તો તેણે દુકાન ખરીદી લીધી.

એક દિવસ વિદ્યાસાગર તેની દુકાને આવી ચઢ્યા પણ તેને ઓળખી ન શક્યા. યુવાને કહ્યું ઃ મને ન ઓળખ્યો ? તમે મને પાંચ રૂપિયા આપેલા તે ભૂલી ગયા ? આજે હું પગભર છું અને સુખી છું. લો, આ  તમારા રૂપિયા પાછા,.

વિદ્યાસાગરે કહ્યું ઃ દોસ્ત તું આ રૂપિયા કોઇ એવી વ્યક્તિને આપજે કે જે તારી માફક પોતાની જિંદગીને નવો વળાંક આપી શકે.

Thursday, May 28, 2015

જીતનું રહસ્ય !!!

કોઇકે એકવાર સમ્રાટ સિકંદરને પૂછ્યું ઃ સમ્રાટ, આપે આટલા બધા મુલકો કેવી રીતે જીત્યા ? આપની પૂર્વે પણ ઘણા બધા બાદશાહ થઇ ગયા, તેઓ કેમ જીત નહીં મેળવી શક્યા હોત ?

જવાબમાં સિકંદર કહે ઃ જુઓ, હું જે મુલક પર જીત મેળવતો હતો તેનો કબજો તો લઇ લેતો હતો, પણ ત્યાંની જનતાને જરા પણ સતાવતો ન હતો.

હું ત્યાંના પરાજીત હાકેમોનું સન્માન કરતો હતો. આવા વ્યવહારથી બધા મારું પ્રભુત્વ સ્વીકારતા હતા. બસ આ જ મારી જીતનું રહસ્ય છે !

Tuesday, May 26, 2015

ગીરધર કહે ઃ ઘી નો લોટો સાચવીશું !!

કાવિઠા ગામના છોકરાંઓને બોધ આપતાં શ્રીમદ રાજ્ચંદ્રે પૂછ્યું ઃ છોકરાઓ તમારા એક હાથમાં છાશનો ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘીનો ભરેલો લોટો હોય અને માર્ગે જતાં તમને ધક્કો લાગે તો તે વખતે ક્યો લોટો સાચવશો ? '

ગીરધર કહે ઃ ઘી નો લોટો સાચવીશું.

શ્રીમદે પૂછ્યું ઃ કેમ? ઘી ઘી અને છાશ તો બંને એક્માથી જ ઉત્પન્ન થાય છે, છતાં ઘી શા માટે ?

છોકરો કહે ઃ છાશ ઢોળાઇ જાય તો ઘણાય ફેરા કોઇ ભરી આપે, પણ ઘી કોઇ ભરી ના આપે.

આ સાંભળી શ્રીમદ કહે ઃ છાશના જેવો આ દેહ છે, તેને આ જીવ સાચવે છે અને ઘી ની માફક આત્મા છે, તેને જતો કરે છે. એવી અવળી સમજણવાળો આ જીવ છે. પણ એ આત્માને ઘીની તુલ્ય મૂલ્યવાન જાણે તો આત્માને પણ સાચવે અને આંચ આવે ત્યારે છશની માફક દેહને જતો કરે. કારણ દેહ તો એની મેળે જ મળવાનો છે. કર્મ ઉપાર્જન થયાં એટલે એ ભોગવવારૂપે દેહ તો મળવાનો જ છે.

ત્રણ દોષોને દુર રાખવા !


કન્ફયુશિયસ ઘણી ડહાપણની વાત કહેલી છે. એક વખત કહેલું ઃ મોટા માણસોની હાજરીમાં ત્રણ દોષોને દૂર ર!ખવા.

પહેલો દોષ, ઉતાવળિયાપણાનો - તમારો બોલવાનો વારો આવે તે પેહલાં બોલવું તે.

બીજો દોષ, શરમાળપણાનો - તમારો બોલવાનો વારો આવે ત્યારે ન બોલવું તે અને ત્રીજો દોષ, બેદરકારીનો - સાંભળનારના ચેહરા તરફ નજર રાખ્યા વિના બોલવું તે.

પછી કહે ઃ સજ્જન બીજાના અભિપ્રાયો પ્રત્યે મન ખુલ્લું રાખે છે, પણ તેની સામે પૂરેપૂરો સંમત થઇ જતો નથી. જ્યારે હલકો માણસ બીજાના અભિપ્રાયો સાથે પૂરેપૂરો સંમત થઇ જાય છે, પણ તેમના પ્રત્યે મન ખુલ્લું રખતો નથી.

Monday, May 25, 2015

શી રીતે બેસી રેહવાય ?

વૃદ્ધ ઉંમરે પણ લોકહિત માટે સતત મથતા રવિશંકર મહારાજને કોઇએ પૂછ્યું ઃ તમને થાક નથી લાગતો?'
મહારાજ કહે ઃ થાક લાગે છે તો ખરો, પણ થાકીને લોથપોથ થઇ ગયા પછી તમને ખબર પડે કે તમારું બાળક પડી ગયું છે તો તમે શું કરો?

થાકને જોશો કે પડેલા બાળકને ઊઠાવી લેવા દોડશો?

બસ એ જ હાલત મારી છે. જેમને મેં સ્વજન ગણ્યાં તેમને ભૂલાં પડેલાં કે ગબડી પડેલાં જોયા પછી મારાથી શી રીતે બેસી રેહવાય?'

Sunday, May 24, 2015

કોઇ પણ બલિદાન મોટું નથી !

અબ્દુલ અઝીઝ નામના એક બાદશાહના શહજાદા પાસે એક વીંટીમાં ખૂબ કિંમતી હીરો હતો. જ્યારે તે પ્રદેશમાં દુષ્કાળ પડ્યો ત્યારે ઘણાં લોકો ભૂખે મરવા લાગ્યા. રાજકુંવરનું હ્રદય દ્રવી ગયું. તેણે વીંટીમાંનો તે હીરો વેંચી નાખ્યો અની તેમાંથી જે મળ્યું તે બધું ગરીબોને વહેંચી દીધું. આ જોઇ એક અધિકારીએ વહાલા થવા માટે કહ્યું ઃ શાહજાદા સાહેબ, આપે આવો કિંમતી હીરો શા માટે જતો કર્યો ? બીજો આવો હીરો નહીં મળે. દુષ્કાળ તો આવ્યા કરે.'

રાજકુમારે અશ્રુભીની આંખે કહ્યું ઃ હું ભૂખે મરતા માણસો કરતાં હીરા વિનાની વીંટી વધારે પસંદ કરું છું.હીરા તો કદાચ મળી શકશે અને નહી મળે તો કાંઇ બગડી નથી જવાનું. પરન્તુ મરી ગયેલા માનવીઓને પાછા જીવિત કરી શકાતા નથી. માટે ભાઇ ! સમય આવે ત્યારે કોઇના જીવનને માટે આ જગતના કોઇ પણ પદાર્થનું બલિદાન મોટું નથી. આથી જ્યારે માણસો ભૂખે મરતા હોય ત્યારે મને હીરાની સુંદરતા ક્યાંથી ગમે ?'

સાહેબ શું લાવું ?

હાઇવેને અડીને એક હોટલ.

સંખ્યાબંધ પ્રવાસીઓ મોટરમાં પસાર થાય, પણ ત્યાં કોઇ ઊભું ન રહે. શું કરવું ? હોટલ માલીક વિઠ્ઠલ કામત તે વિચારે !
તેને એક તુક્કો સૂઝ્યો. પોતાના મિત્રો અને ઓળખીતાઓની મોટરો થોડા દિવસ ઉછીની મેળવી અને હોટલની આગળ હારબંધ ઊભી રાખી !મોટરની ગીરદી જોઇને પ્રવાસીઓને કુતૂહલ થતું તેથી મોટર થંભાવે. એટલે માલિકની સૂચના મુજબ એક બે છોકરાઓ દોડી આવે. ને મોટરને લાગેલી ધૂળની સાફ્સૂફી કરવા મંડી પડે. અડધી સાફ્સૂફ થાય કે જરાક થંભી જાય એટલે મોટર માલિક કહે ઃ બાકીનું કામ પતાવી દે ને ? એટલે છોકરો કહે ઃ ' સાહેબ, ધોઇ કરીને પોલિશ લગાવી દઉં પણ પંદરેક મિનિટ લાગશે. ત્યાં સુધી આપ હોટલમાં નેરાંતે બેસો !

અને તે જેવા બેસે કે વેઇટર કહે ઃ સાહેબ શું લાવું ? ચા? ગરમા ગરમ નાસ્તો ? અને આ કરામત ભારે સફળ થઇ. ઘરાકી જામી પડી.

"ધીરજ" !!

ચીનમાં એક જમાનામાં એવું કુટુંબ વસતું હતું કે જેની નવ નવ પેઢીઓ સુધી સાસરે જતી દીકરીઓ સિવાય બીજું કોઇ જ કુટુંબીજન ઘર છોડીને ચાલ્યું ગયું નહોતું. આવા સુખી ગૃહજીવનની ખ્યાતિ ફેલાતી ફેલાતી શહેનશાહ સુધી પહોંચી. આ વાતનું રહસ્ય જાણી લાવવા એમણે કાસદ મોકલ્યો. કુટુંબના વડદાદાએ લાંબો કાગળ અને પીંછી લઇને ચીની ચિત્રલિપિમાં અનેક શબ્દો આલેખ્યા અને પોતાનો ઉત્તર શાહીદૂતને સોંપ્યો. પછી શહેનશાહે પોતે જ્યારે એ પત્રનું ફીંડલુ ઉખેડ્યું ત્યારે ત્યારે તેના પર બિજું કંઇ નહી પણ "ધીરજ" માટેનું ચિત્ર-પ્રતીક એકસો વાર આલેખવામાં આવેલું.

હું આંધળો છું, !!

એક આંધળો માણસ ભીખ માગી રહ્યો હતો. એક નાના બોર્ડમાં લખેલું ઃ હું આંધળો છું, મહેરબાની કરીને મને મદદ કરો.' બપોરનો સમય હતો, તેના વાસણમાં થોડા સિક્કા હતા. એ વખતે ત્યાંથી એક લેખક પસાર થયા. તેમની નજર એ બોર્ડ પર પડી. તેમણે એ લખાણ લુછીને તેના પર બીજું કંઇક લખી દીધું અને થોડા સિક્કા નાખીને જતો રહ્યો.

સાંજ સુધી તો એ ભીખારીનું વાસણ સિક્કાઓથી ભરાઇ ગયું હતું ! પેલો લેખક સાંજે જ્યારે પાછો આવ્યો ત્યારે ભીખારી પગલાંના અવાજથી તેને ઓળખી ગયો અને પૂછ્યું ઃ તમે બોર્ડ પર એવું તો શું લખ્યું કે આજે આટલા બધા સિક્કા મળ્યા! ત્યારે પેલો લેખક કહે ઃ મેં તમારી વાતને જરા બીજી રીતે રજૂ કરેલી મેં લખેલું આજથી વસંત શરૂ થઇ ગઇ છે, પણ હું જોઇ શકતો નથી! વાત કેહવાની રીત પણ કેવી મહત્ત્વની છે?.

Friday, May 22, 2015

દાન નો અર્થ સમજાવો

તે પછી એક ધનવાને કહ્યુ ઃ દાન નો અર્થ સમજાવો.

ત્યારે તેમને જવાબ દીધો ઃ એ દાન અતિ અલ્પ છે, જે તમારા સંગ્રહમાથી તમે કાઢી આપો છો. જ્યારે તમે તમારાન જીવનમાથી કાઢીને આપો, ત્યારે જ સાચુ દાન થાય છે.'

કેટલાક પોતાના મોટા સંગ્રહમાંથી થોડુક દાન કરે છે,અને તેની કદર થાય એમ ઈચ્છે છે, તેમના મનમાં છુપાયેલી  આ ઇચ્છાને લીધે તેવા દાન અનર્થકારી થાય છે.

અને કેટલાક પાસે થોડુંક જ હોય છે, અને સઘ્ળુ દઈ દે છે. તેઓ આત્મામાં અને આત્માના ભંડારમાં શ્રધા રાખવાવાળા છે, અને તેમની થેલી ક્દી ખાલી થતી નથી.

અને કેટલાક આપે છે, અને તે આપવામા નથી દુઃખ માનતા અને હર્ષને શોધતા, તેમજ નથી કંઇ પુણ્ય કર્યાનો ખ્યાલ ધરાવતા. તેઓ, જેમ પેલી કુન્જમાં પુષ્પલતાઓ દશે દિશામાં પોતાની સુવાસ પાથરી દે છે,  ે તે પ્રણામે આપે છે.

માંગે ત્યારે આપવુ સારુ તો છે, પણ વગર માગ્યે, મનથી જાણી જોઇને, આપવુ એ વધારે સારુ છે.

અને જે હાથનો છુટો છે  તેની તો દાન આપવાના આનંદ કર્તાં દાનનો લેનારો મળે એજ વસ્તુ વધારે આનંદ ઉપજાવે છે.

અને હે દાન સ્વીકારનારાઓ, તમે કૄતજ્ઞતાનો ભાર ન અનુભવશો અને દાતાની સાથે, જાણે પાંખો મળી હોય તેમ, તેના દાન પર ચડી ઊચા ઊડજો..

                                     -ખલિલ જિબ્રાન

માણસના ઘડતરનુ મૂલ્ય શુ ?'

ટોલ્સટોયને કોઇએ પૂછયુ ઃ માણસના ઘડતરનુ મૂલ્ય શુ ?' ટોલ્સ્ટોય કહે ઃ લોઢાનો એક ટુકડો વેચો તો એક રુપિયો મળે. પન જો ઘડિયાળની નાળ  બનાવો તો અઢી રુપિયા મળે. જો ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવી વેચો તો હજારો રુપિયા ઉપજે. લોઢુ તો એનુ એ જ અને એટલુ જ,
પરંતુ એનુ જેવુ ઘડતર કરો એવુ એનુ મૂલ્ય અંકાય, માણસ વિશે પણ આવુ જ છે. માણસનુ જેટલુ ઘડતર વધે એટલુ એનુ મુલ્ય પણ વિશેષ થાય.'

દિલ્હીશ્વર અને જગ્દીશ્વર

તાનસેનના સંગીતથી મુગ્ધ બનેલા બાદશાહને એક વખત તાનસેનના ગુરુ હરિદાસનુ સંગીત સાંભળવાનો અવસર મળ્યો. બાદશાહ તો આ સાંભળીને દિગ્મુઢ જ બની ગયા. તાનસેનને કહે ઃ તારા ગુરુ આટલુ સુન્દર ગાય છે !  તારા ગુરુના કંઠમા આટલો ફરક ? તેમની પાસે તો તારુ સંગીત ફિક્કુ લાગે છે, તેનુ શુ કારણ ?

તાનસેન કહે ઃ 'જહાંપનાહ, માઠુ ન લગાડશો પણ હુ દિલ્હીક્ષ્વરને ખુશ કરવા માટે ગાઉ છુ, જ્યારે મારા ગુરુ જગદિક્ષ્વરને ખુશ કરવા માટે ગાય છે. જેટલો ફરક દિલ્હીશ્વર અને જગ્દીશ્વર વચ્ચે હોય તેટલો ફરક અમારા બંનેના ગાન વચ્ચે રહેવાનો.'

વાઘ કરતાંય ખતરનાક !!

ે ચીન દેશના મહાન ચિન્તક કોન્ફયુશિયસ અને તેમના શિષ્યો એક જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યાં એક સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી તે તેમને જોયુ. કોન્ફયુશિયસે પોતાના એક શિષ્યને તેની પાસે મોકલ્યો.
એ સ્ત્રી પાસે જઇને એના રડવાનુ કારણ જાણી લાવો.'
પેલા શિષ્યે એ બહેન પાસે જઇને પૂછ્યુ એટલે તે સ્ત્રી કહે ઃ ભાઇ, આ જંગલમાં વાઘની ભારે રાડ છે, હજુ થોડાક દિવસ અગાઉજ મારા સસરાને વાઘે ફાડી ખાધા અને પછી મારા પતિને પણ વાઘે મારી નાખ્યા.

શિષ્યે આ વાત ગુરૂને કહી. તેઓ એ સ્ત્રી પાસે ગયા અને તેને કહ્યુ ઃ બહેન ! આ પ્રદેશ્માં આટલુ દુઃખ છે, તો બીજી કોઇ જગ્યાએ જતા કેમ નથી રહેતા ?

આ સાંભળી પેલી સ્ત્રીએ કહ્યુ ઃ મહારાજ, તમારી વાત સાચી છે, પણ અહીનો રાજા જુલ્મી નથી. અહીના કર્મચારીઓ લાંચિયા નથી, અહિના વેપારી એકના ડબલ કરત! નથી.'

આ સાંભળી કોન્ફયુશિયસ કહે ઃ શિષ્યો, આ વાત સમજવા જેવી છે.

માણસો જુલ્મી રાજ અને ભ્રષ્ટાચારી અમલદાને વાઘ કરતાંય ખતરનાક ગણે છે !....